SHREE MODASA EKDA DASHA KHADAYATA VASTIPATRAK SAMITI
Modasa-Estd 1979
જ્ઞાતિ એ સનાતન સંસ્કૃતિની મૂર્તિમંત સંસ્થા છે "વસુદેવ કુટુમ્બકમ્" સંયુક્ત કુટુંબની ભાવના તેના બંધારણમાં સમાયેલી છે. "સર્વ સુખીના સંતુ" સૌના સુખમાં મારું સુખ એ ભાવના અપનાવી, જીવન પ્રણાલી બનાવે એનું નામ સમાજ અને લગ્ન રોટી - બેટી વ્યવહાર તથા સામાજીક નિતિ નિયમો બનાવી સાથે મળી જીવવું એનું નામ જ્ઞાતિ જ્ઞાતિ સમાજ એક જ એવી સંસ્થા છે જ્યાં આપણું અને આપણા કુટુંબનું સ્થાન કાયમી છે અને પેઢી દર પેઢી તે ચાલુ રહે છે આજના આ સાંપ્રતકાળમાં આપણા વડીલોએ દુરદેશી દાખવી કેળવણી, સામાજીક સુરક્ષા, મેડીકલ, આર્થિક રીતે નબળા વર્ગનાં માટે સહાય અને આરોગ્યનિધિએ જ્ઞાતિપંચ અને આગેવાનોએ જ્ઞાતિને આપેલી ઉત્તમ ભેટ છે.
ઉપરોકત ભાવનાઓને ધ્યાને રાખી આપણો "શ્રી મોડાસા એકડા" દશા ખડાયતા બાવનગામ એકડો "આશરે 475 વર્ષો પહેલા મોડાસાના અગ્રણી સ્વ.શ્રી મુનજીદાસ ખુશાલદાસ શાહ ના અથાગ પ્રયત્નોથી અસ્તિત્વમાં આવી પંચ પધ્ધતિથી સ્વ. શેઠશ્રી મુનજીદાસ ખુશાલદાસ શાહ અને સ્વ. શ્રી ભાઈચંદદાસ ભૂખણદાસ શાહ ના નામથી પંચનો વહીવટ શરૂ થયો.
સ્વ. શેઠશ્રી મુનજીદાસ ખુશાલદાસ શાહના વંશ જ સ્વ.શ્રી વિઠ્ઠલદાસ શીવલાલ શાહે 4 વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી સદભાગ્યે તેમના ફોઈ સ્વ.શ્રી સાંકળીબેનની હુંફ અને દોરવણી, એમના સફળ જીવનની અને કુનેહભરી દિર્ધદ્રષ્ટિની વિશેષતા રહી છે. પુખ્ત ઉંમરનાં થતા નાની ઉંમરમાં જે જ્ઞાતિ પંચના શેઠની જવાબદારી સંભાળી.
બંધારણ મુજબ વહીવટ શરૂઆતમાં સોળ ગામની સલાહ સુચનથી નિર્ણય લેતા હતા. આ ગામડાઓમાં અને ખાસ કરીને તેમાંના મુકરર કરેલા મોડાસા, બાયડ, ચોઈલા, રૂપાલ, મેઢાસણ, ટીંટોઈ, પુંસરી, આંબલીયારા, ઉજેડીયા, સોનાસણ, લીંબ, ખાનપુર, ઘનસુરા, સાઠંબા, લાકરોડા અને રડોદરા વગેરે મુખ્ય ગામોના આગેવાનો મળીને બાવનગામોનો બંધારણનો વહીવટ ચલાવતા હતા. (1) સામાજીક (2) કન્યાની છત –અછત (3) પલ્લુ (4) વિધવા પ્રશ્ન (5) બાળલગ્ન અને કજોડાઓ (6) રડવા – કુટવા અને તેવા રીવાજો(7) વરાઓ અને ખર્ચ ખુટણો (8) ખુશીના પ્રસંગનો મોટો વેરો (9) સુધારાને નામે પંચે કરેલા ઠરાવોની માહિતી (10) કેળવણી (11) કેળવણી સંબંધની સામાન્ય સ્થિતિ (12) રાજકીય (13) આર્થિક પ્રવૃત્તિઓ અંગે જે તે સમયે જ્ઞાતિના હિતમાં આ સોળ ગામની સલાહ સૂચનથી નિર્ણય લેતા હતા તેમજ જરૂર માર્ગદર્શન આપતા હતા. પંચની માનમર્યાદા અને આમન્યા જાળવવામાં આવતી હતી અને પંચ જે નિર્ણય કરે તે સ્વીકારવામાં આવતો હતો.
આપણી જ્ઞાતિ ગામડાઓમાં વસતી હોઈ અને ધીરધાર સૌનો વ્યવસાય હોઈ જ્ઞાતિમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. જ્ઞાતિના યુવાનો અને બહેનો દિકરીઓ શિક્ષિત બને એની આવશ્યકતા વિચારી સૌનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સ્વ. શેઠ શ્રી વિઠ્ઠલદાસે સં.1910 માં પંચમાં ઠરાવ કરી રૂ. 150/- ની રકમ અલગ ફાળવી ફરજીયાત રીતે કેળવણી માટે સ્કોલરશીપ સહાય આપવાનું શરૂ કર્યું અને જાતે જઈ દરેકને સહાય પહોંચાડી શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રાખી, એટલું જ નહી બહેન – દિકરીઓ શિક્ષિત બને તે માટે કન્યાફંડ ઉગરાવી છોકરીઓને પણ શૈક્ષણિક સહાય આપવાનું શરૂ કર્યું.
ખડાયતા જ્ઞાતિ ગામડાઓમાં વસતી હતી અને ત્યાં સ્કુલો ન હોવાથી દશા – વિશા ખડાયતા જ્ઞાતિના શેઠીયાઓ અને આગેવાનો મળી સ્વ. શેઠશ્રી વિઠ્ઠલદાસે સંવત 1917 માં મોડાસામાં જગ્યા ભાડે રાખી ખડાયતા છાત્રાલય શરૂ કર્યું. સમય જતાં સૌનો સહકાર લઈ મોડાસામાં જમીન ખરીદી ખડાયતા છાત્રાલયનું બાંધકામ કરાવ્યું જે પૈકી બ્લોક આપણા એકડાનો છે અને છાત્રાલય તરીકે વહીવટ કરે છે.
તા. 15/12/1932 માં સ્વ. શેઠશ્રી વિઠ્ઠલદાસે જ્ઞાતિપંચમાં ઠરાવ કરી "શ્રી મોડાસા એકડા દશા ખડાયતા કેળવણી મંડળ" ની સ્થાપના કરી જ્ઞાતિમાં વિધિસર કેળવણીનો સેવા યજ્ઞ શરૂ કર્યો. ધાર્મિક સંસ્કારો ધરાવતા સ્વ. શેઠશ્રી વિઠ્ઠલદાસ શીવલાલ શાહે સને 1947-48 માં નિવૃત્તિ લેતાં તેમના જયેષ્ઠ પુત્ર સ્વ. શેઠશ્રી નટવરલાલ વિઠ્ઠલદાસ શાહે શીકા કંપામાં મળેલ જ્ઞાતિ પંચની મિટીંગમાં જ્ઞાતિપંચના શેઠનું સુકાન સંભાળી, પંચનો વહીવટ સંભાળવાનું શરૂ કર્યું. તેમના ખાસ આગ્રહથી 1950 માં આપણું કેળવણી મંડળ બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ રજીસ્ટ્રર કરાવ્યું. આઝાદીના વર્ષોમાં જ્ઞાતિપંચનો વહીવટ સંભાળનાર સ્વ. શેઠશ્રી નટવરભાઈએ સમાધાનવૃત્તિ, ઉદારતા ને બાંધછોડ અભિગમ અપનાવી વર્ષો સુધી જ્ઞાતિપંચના નેજા હેઠળ આપણા સમાજને સંગઠીત રાખી, જ્ઞાતિમાં સંયુક્ત નેતાગીરી ઉભી કરી સેવાનો સ્ત્રોત વહાવ્યો જેના આપણે સૌ સાક્ષી છીએ. જ્ઞાતિનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ક્રમેક્રમે રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરવા નવી સંસ્થાઓ સ્થાપી જ્ઞાતિમાં શરૂ થયેલ સેવાયજ્ઞને વધુને વધુ પ્રજ્વલિત બનાવ્યા. જેના ફળ આજે પણ મળી રહ્યા છે. 1964 થી શેઠશ્રી નટવરભાઈના જયેષ્ઠ પુત્ર શ્રી પ્રવિણભાઈ વકીલે જ્ઞાતિપંચની મીટીંગોમાં આવવાનું શરૂ કરી પંચની કાર્યવાહી સંભાળી શેઠશ્રી સાથે રહી પંચનું સંચાલન કરી સૌનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો.
30 જાન્યુઆરી 1971 ના રોજ શેઠ શ્રી વિઠ્ઠલદાસ શીવલાલ શાહનું દુઃખદ અવસાન થતા તેમની સેવાઓને ધ્યાનમાં રાખી જ્ઞાતિ આગેવાનોએ આર્થિક રીતે મુશ્કેલી અનુભવતા જ્ઞાતિજનોને સહાયરૂપ થવા "શ્રી મોડાસા એકડા દશા ખડાયતા મધ્યમવર્ગ સહાય મંડળ" ની સ્થાપના કરી નવી પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રવૃત્તિને વેગ મળે તે માટે વિશાળ ભંડોળની આવશ્યકતા હોઈ 1988 માં આ સંસ્થા બંધ કરી 80 જીનો લાભ લેવા નવી સંસ્થા " શેઠ વિઠ્ઠલદાસ શીવલાલ શાહ મોડાસા એકડા દશા ખડાયતા ચેરીટેબલ સોસાયટી" ની સ્થાપના કરી જેનો રજતજયંતિ મહોત્સવ 2014 માં શ્રી કોટીયર્ડ મંદિર મહુડી ખાતે ઉજવ્યો.
અને 1979 માં સંજોગોને ધ્યાનમાં લઈ "શ્રી મોડાસા એકડા દશા ખડાયતા વસ્તીપત્રક સમિતિ" ની સ્થાપના કરી તેમાં જ્ઞાતિનું વસ્તીપત્રક પાંચ વર્ષે પ્રગટ કરી તેમજ પરિચય સંમેલન યોજી જ્ઞાતિના યુવક-યુવતીઓનાં સગપણની મુશ્કેલીઓ સહાયભૂત થવું તેવું નક્કી થયું. આજસુધીમાં અનુક્રમે આઠ વસ્તીપત્રક ગ્રંથ 1974, 1981, 1987, 1994, 2000, 2006, 2012 અને 2022 માં બહાર પાડેલ છે. ટેલીફોન ડાયરી અનુક્રમે પાંચ 2000, 2003, 2006, 2010 અને 2022 માં બહાર પાડેલ છે. આ ઉપરાંત આજસુધીમાં સમુહલગ્ન ફકત 2 અને પરિચય સંમેલન કુલ 11 થયેલ છે..
1980 માં જ્ઞાતિપંચની છેલ્લી મીટીંગ મળી હતી. જ્ઞાતિ સંસ્થાઓની હંમેશા જેમ કોટીયર્ક મુકામે મળતી મીટીંગમાં તા. 19/10/1999 નો 38 સહીઓ સાથેનો શેઠશ્રી પ્રવિણભાઈ વકીલનો પત્ર વંચાણે લીધા પછી ઠરાવ કરેલ હતો કે જ્ઞાતિ સંચાલન માટે વ્યવસ્થાપક સમિતિની રચના કરવી જેમાં વસ્તીપત્રક સમિતિના પ્રમુખ કન્વીનર અને બાકી સંસ્થાઓના પ્રમુખો તે સમિતિના સભ્ય રહેશે પરંતુ તે કાર્યવાહી બહુ લાંબી ચાલી ન હતી વિશેષતા એ છે કે બાવન ગામનો એકડો હાલમાં આશરે 175 ગામોમાં રહે છે અને સંકલન, સંગઠન અને સેવા માટે સદા તત્પર રહે છે. જરૂરીયાત મુજબ અન્ય સંસ્થાઓ માટે જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ જરૂરીયાત મુજબ 1986 માં શ્રી ડુંગરદાસ લલ્લુભાઈ શાહ મોડાસા એકડા દશા ખડાયતા મેડીકલ રીલીફ સોસાયટીની સ્થાપના કરી જે વૈદકીય સારવારમાં સહાયભૂત થવા માટે સારૂં એવું યોગદાન આપે છે જેનો રજતજયંતિ મહોત્સવ 2012 માં હિંમતનગર ખાતે ઉજવી ગૌરવ વધાર્યું.
આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, મુંબઈ, કોંકણવિભાગ અને મરાઠાવાડમાં જ્યાં વર્ષોથી આપણી વસ્તી મોટા પ્રમાણમાં વસે છે ત્યાં જ્ઞાતિની સ્થાનિક સંસ્થાઓ સ્થાપી સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની નોંધ લેવી રહી, જ્ઞાતિ વિકાસ અને ઉત્કર્ષમાં બહેનો પણ જાગૃત બની છે અને તેમને પણ દરેક જગ્યાએ મહિલા મંડળોની સ્થાપના કરી છે. આ જ્ઞાતિના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. આમ સંસ્થાઓ વધી છે એમ ભંડોળ પણ વધ્યું છે. આ ભંડોળો વધારવામાં સંનિષ્ઠ અને સેવાભાવી મુરબ્બી શ્રી રસિકભાઈ વકીલ અને ડૉ. સુરેશભાઈ તેમજ સંસ્થાના અન્ય સુકાનીઓનું મહત્વનું યોગદાન છે સમાજમાં નવા કાર્યકરો તથા મોટું ફંડ ઉભું કરી શક્યા છીએ. તેની નોંધ લેવી રહી આજના સંજોગોમાં જ્ઞાતિનું સંગઠન સાચવવામાં માતૃસંસ્થાઓ - સ્થાનિક સંસ્થાઓ અને મહિલા મંડળોનું મોટું યોગદાન છે એટલે સંગઠીત રહી, મોટું મન રાખી, હાલના કટોકટીના વર્ષોમાં સંસ્થાઓ સાચવવાની અને સંસ્થાઓના ભંડોળનું યોગ્ય રીતે રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ બને છે. ઉમદા કાર્યમાં પરમકૃપાળુ પરમાત્માની આપણી સમગ્ર જ્ઞાતિ ઉપર કૃપા બની રહે એજ પ્રાર્થના વિશાળ વટવૃક્ષ જેવું સ્વરૂપ આ જ્ઞાતિ સમાજની ગૌરવ ગાથા છે .
લી.
શ્રી વૃંદાવનદાસ જે. શાહ